અધ્યાય 7
શ્લોક 2

ભગવાન કહે છે કે હું તને વિજ્ઞાન સહિત આ જ્ઞાન અશેષતઃ એટલે કે કશું ય બાકી ન રહે તે રીતે, એક પણ મુદ્દો ચૂક્યા વગર, સંપૂર્ણતાથી કહીશ. જેને જાણ્યા પછી આ લોકમાં, આ વિષયમાં જાણવા યોગ્ય કશું બચશે નહીં.
અહીં સૌથી મહત્વનો અને મોહક મુદ્દો એ છે કે પ્રભુ સ્વયં સ્વમુખે આ જ્ઞાન કહેવાના છે. ગીતાજી સૌથી વધુ ગમે છે એનું કારણ આ જ છે. બાકી જ્ઞાન, કર્મ, ભક્તિ ઉપર કેટલાય મોટા-મોટા ગ્રંથો છે. પરંતુ તેમાં જે કહેવાયું છે તે કોઈના દ્વારા કહેવાયું છે. તેમને નીચા પાડવાનો આશય નથી.
પરંતુ પ્રભુને સંપૂર્ણતયા જાણવાનું જ્ઞાન કોઈ બીજું પોતાની અનુભૂતિથી કહે અને સ્વયં પ્રભુ સ્વમુખે કહે એમાં ફરક તો ખરો ને!!! મોસાળમાં મામી પીરસે અને મા પીરસે. બંનેની અલગ મધુરતા છે. પરંતુ મા તે મા. પ્રભુ સાક્ષાત કહે, પૂછ્યા વિના સામેથી કહે એમાં મા ની મમતાનો ભાવ છે.
રમતું બાળક રમવામાં તલ્લીન હોય, તેને ભૂખ ખબર પડતી નથી. પોષણના પાઠ ખબર નથી. તેને મા બોલાવે તે ગમતું નથી. પરંતુ મા તેને રમતો હોય ત્યાંથી ખેંચીને લાવે, પરાણે જમાડે અને ફરી રમવા મોકલે. આ માતૃત્વ છે. આ માતૃત્વ ભાવ જેને અનુભવાય તેની સાથે ગીતાનું જોડાણ થાય.
આ માતૃત્વ ભાવ અનુભવાશે તો જ આ જ્ઞાન સમજાશે. અન્યથા ગીતા ગાયે રાખવાની, મોટે-મોટેથી!!! અને ખુશ થયા કરવાનું કે મેં કેટલી વાર પારાયણ કર્યું!!! ગીતાને વાંચ્યા/ગાયા પછી કોઈ ફરક ન દેખાય તો સમજો કે ક્યાંક તકલીફ છે. ક્યાં તો ગીતાજીમાં! ક્યાં ગીતા ગાનારમાં!! કે ક્યાં તો વાંચનારમાં!!!
પ્રભુ કહે છે કે હું તને આ જ્ઞાન, વિજ્ઞાન સહિત કહીશ. સાદી ભાષામાં કહીએ તો આ theory હું તને practical સહિત કહીશ. હું માત્ર કોરું જ્ઞાન નહીં કહું. વિજ્ઞાનનું માખણ ચોપડીને કહીશ. જે જ્ઞાન વ્યવહારમાં આવતું નથી તે જ્ઞાન ભારરૂપ બને છે. ज्ञानं भारं क्रिया विना ।
તે બોજો છે. તેથી પ્રભુ કહે છે કે હું તને વિજ્ઞાનસહિત આ જ્ઞાન કહીશ. વિજ્ઞાન એટલે physics કે chemestry માત્ર નહીં. જે જ્ઞાન અનુભવથી સિદ્ધ કરી શકાય તે વિજ્ઞાન. જ્ઞાનને જીવનવ્યવહાર સાથે સાંકળવાનું કૌશલ્ય, પદ્ધતિ, રીતિ તે વિજ્ઞાન.
દરેકને પોતાની કક્ષા પર સમજાય જાય તે રીતિથી કહેવાયેલું જ્ઞાન એટલે વિજ્ઞાનસહિત જ્ઞાન. પુસ્તકમાં જ રહી જાય એવું જ્ઞાન શા કામનું? પુસ્તકનું જ્ઞાન મસ્તકમાં બેસવું જોઈએ અને મસ્તકમાંથી એ હસ્તક (વ્યવહારમાં) આવવું જોઈએ, તો જ એ જ્ઞાન છે. એને જ અશેષ જ્ઞાન કહેવાય.
એ જાણ્યા પછી આ વિષયમાં (જ્ઞાનના વિષયમાં) તને બીજું કંઈ જ જાણવાનું રહેતું નથી. પ્રભુને સમગ્રતયા જાણી લીધા પછી આ સંસારમાં જ્ઞાનના વિષયમાં બીજું શું બાકી રહે? આપણે જ્ઞાન, વિદ્યા, કલા આ બધામાં ગરબડ કરીએ છીએ. આપણે મન બધું સરખું જ છે.
વિદ્યા જુદી, જ્ઞાન જુદુ. ૧૪ વિદ્યા અને ૬૪ કલાનું માત્ર લીસ્ટ વાંચીએ એટલે પણ આ ફરક સમજાઈ જશે. જ્ઞાનની વિશદ્ વ્યાખ્યા તો ભગવાને ગીતામાં જ આગળ ૧૩મા અધ્યાયમાં કરી જ છે. 

પરંતુ ફરી પાછી ગરબડ ન થાય!!
જ્ઞાન, વિદ્યા અને કલા આ ત્રણેય જુદા છે એમ કહ્યું છે એનો અર્થ કાંઇ ઊંચા-નીચા એવો ભળતો જ ન કરાય!! ત્રણે ત્રણ સરસ્વતી ઉપાસના જ છે. કલા, વિદ્યા અને જ્ઞાન આ ચઢતી શ્રેણી છે. જે આજીવિકા રળવા માટેની મારી આવડત તે કલા.
सा विद्या या विमुक्तये જે મને મુક્તિ અપાવે તે વિદ્યા. અને જે મને સમગ્રતયા "હું કોણ?" આ પ્રશ્નનો જવાબ આપે, "જગત શું છે?" તેનો જવાબ આપે, "જગદીશ" ની ઓળખાણ કરાવે, અને જીવ-જગત-જગદીશ નો સંબંધ સમજાવે તે જ્ઞાન. જે પ્રભુ પમાડે તે જ્ઞાન
પ્રભુ અહીં જ્ઞાનનું શ્રેષ્ઠત્વ દર્શાવે છે. જેને જ્ઞાન થયું તેને જરૂરી વિદ્યા અને કલા હસ્તગત થઈ જ જાય છે. તેને કોઈ તકલીફ થતી નથી. એમ પણ કહી શકાય કે જરૂરી કલા અને વિદ્યા પ્રાપ્ત કરનાર નિપૂણ જીવ જ જ્ઞાન પામે છે.

Thank you for reading !
You can follow @Go_Movie_Mango.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: